ગીતામાં કહ્યું છે કે ધર્મ એટલે શું?
5/7/2015 9:31:01 PM
શરીર એ ધર્મ સાધવાનું સાધન છે. શરીર દ્વારા જ કાર્યો થાય છે. જો શરીર નિર્બળ હોય તો તેની અસર મન પર પડે છે, તેથી મન પણ નિર્બળ થઈ જાય છે. કોઈ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું હોય તો તન અને મન બંને સ્વસ્થ હોવાં જોઈએ. તન અને મન નિર્બળ હોય તો કોઈ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. શરીર એ જ ઈશ્વર છે જ્યાં સુધી તે ઈશ્વરને ન મળે ત્યાં સુધી જગતની કોઈ પણ વસ્તુથી તેને તૃપ્તિ થતી નથી. ઈશ્વરને પામવા માટે આપણે વ્રત, જાપ, ઉપવાસ, દાન, તીર્થયાત્રા કરીએ છીએ, યોગ સાધીએ છીએ, ત્યાગ કરીએ છીએ તથા પ્રભુનાં ગુણગાન કરીએ છીએ. આ બધું જ સૌ જીવને ઈશ્વર તરફ ધકેલવા જ કરે છે. જોકે, એ બધી ક્રિયાઓ અને રીતો જુદી જુદી છે, તોપણ તે બધાનો હેતુ એક જ છે. તે બધાનો મૂળ હેતુ એ છે કે, જીવને ઈશ્વરમય કરવો, કારણ કે જીવ જ્યારે ઈશ્વરમય થાય ત્યારે જ તેને સંપૂર્ણ સુખ મળે છે અને ત્યારે જ તેને છેવટની શાંતિ મળે છે, માટે જીવને ઈશ્વરમય કરવો તેનું જ નામ ધર્મ છે. ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, "ધર્મ એટલે અંતરની શાંતિ, ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય, ધર્મ એટલે ઉત્તમ અને ચાલવાનું બળ, ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ, ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાાનને જોડનારી કડી, ધર્મ એટલે મનુષ્યમાં દેવપણું લાવનારું તત્ત્વ, ધર્મ એટલે મનને ઊંચા વિચારોમાં રોકી રાખવાનો ઉપાય, ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન, ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે, એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે, કારણ કે જીવ માત્ર ઈશ્વરનો જ છે, માટે ઈશ્વર વિના તે હંમેશાં તરફડયા કરે છે, તેથી જીવને પ્રભુ પાસે જવા દેવો તથા ત્યાં જવા સારુ જે કોઈ ક્રિયાઓ કે સાધના કરવા જોઈએ તેનું નામ ધર્મ. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને જ્યારે મોહ થયો, કર્તવ્યનું ભાન ન રહ્યું, સારું શું ને ખોટું શું? એ સમજણ ન પડી, ગ્લાનિ, ભય, વૈરાગ્ય તથા દયા વગેરેથી બહુ જ મૂંઝાવા લાગ્યો ત્યારે તેણે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું કે, કાર્પણ્યદોષોયહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ । યચ્છેયઃ સ્યાંનિશ્ચિતં બ્રૂહિતન્મે શિષ્યસ્તેડહં સાધિમાં ત્વાં પ્રયન્નમ્ ।। (ગીત અધ્યાય-૨, શ્લોક-૭) અર્થાત્ હે પ્રભુ! હું મોહમાં પડેલો છું ને બગડેલા સ્વભાવનો છું. સ્વાર્થી પ્રકૃતિનો છું અને અત્યારે મૂંઝાઈ ગયેલો છું, તેથી મારો ધર્મ શું છે એ મને ખબર નથી. માટે મારું કલ્યાણ થાય એવી સ્પષ્ટ વાત નક્કી કરીને મને કહો, કારણ કે હું તમારો શિષ્ય છું અને તમારા શરણે આવેલો છું. માટે મને સાચો માર્ગ બતાવવાની કૃપા કરો.
No comments:
Post a Comment