Breaking News |
- Home >>
- Magazines >>
- Ravi Purti
ટોકિંગ પોઈન્ટ -સુદર્શન ઉપાધ્યાય
કોમનમેનની જરૃરિયાત ફાયનાન્સિયલ બ્રીથિંગ
વ્યક્તિ આર્થિક નબળાઈઓનો સામનો કરે છે ત્યારે તેની ક્રિએટીવીટી ખલાસ થઈ જાય છે તે ક્યાંથી લાવવું અને ક્યાં ભરું તેમાં અટવાયેલો રહે છેમાનવતાના ધોરણે મદદ કરવાનો આખો વિષય અટપટો છે. કુદરતી હોનારતો વખતે કે અમરનાથ યાત્રામાં ઉંચા પર્વતો પર ગરમાગરમ શીરો-પુરી ખવડાવતા લંગરો ચલાવનારને શ્રદ્ધાળુઓ મૂક આશિર્વાદ આપતા જાય છે. લંગરવાળા છે કે ભગવાન અમને આવે છે અને અમે તમને આપીએ છીએ.
કુદરતી હોનારતો વખતે હજારો લોકો દાન આપે છે જે લાખો લોકો સુધી પહોંચે છે. બંનેમાં ક્યાંય અપેક્ષા નથી. અનેક સંસ્થાઓ કુદરતી હોનારતો વખતે સેવા માટે તલપાપડ હોય છે.
કુદરત કોઈને ભૂખ્યાં સુવાડતી નથી. દરેકના મનમાં વત્તે-ઓછે અંશે દયાની ભાવના પડી હોય છે. આવી ભાવનાને આપણા શાસ્ત્રો અને કથાકારો ઢંઢોળતા હોય છે. ક્યારેક કોઈ વધુ કમાણી કરે ત્યારે તેનો કેટલોક હિસ્સો દાનમાં આપે છે. ઘણાં મંદિરોમાં પણ આવકના દશ ટકાનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આપણે ત્યાં 'આપશો તો પામશો' એમ કહીને ભંડારો છલકાવવામાં આવે છે. ગણપતિ સ્થાપન હોય કે અન્ય કોઈ સેવાના કામોમાં ઘણાં કહે છે કે ખૂટતા મારી પાસેથી લઈ જજો !!
ઘણાં ધાર્મિક સ્થળોએ બોલાતી ઉછમણી જોઈને સામાન્ય માણસની આંખો ફાટી જાય છે. ગયા મહિને જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા ત્યારે જૈન ભાવિકોએ તેને જૈનશાસનનો ઝળહળતો સૂર્ય અસ્ત પામ્યો એમ કહ્યું હતું. અંતિમ-યાત્રાની ઉછામણી પાંચ કરોડને આંબી ગઈ હતી. અંતિમ સંસ્કાર આદેશના એક કરોડ આંઠ લાખની ઉછામણી હતી !! આવી ઉછામણી બોલનાર સીધા-સાદા સરળ લોકો હોય છે. તેમને ધર્મમાં અપાર શ્રદ્ધા હોય છે. આવા લોકો સંવેદનાથી ભરેલા હોય છે.
જે લોકો લોકસંપર્કમાં રહે છે તેમને ખબર છે કે થોડા ઘનિષ્ઠ સંબંધો બંધાય એટલે એક પક્ષ પૈસાની માગણી કરે છે. બીજો તે સંબંધોને કારણે આવે છે અંતે જો વ્યવહાર બરાબર ચાલે તો સંબંધો વધે છે અને ના ચાલે તો તૂટે છે. એટલે જ વ્યવહારૃ લોકો કહે છે કે પૈસાનો સંબંધ નહીં !!
ગયા અઠવાડીયે રવિવારે વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો. સમગ્ર વિશ્વએ હોંશભેર શારીરિક કસરત માટે બ્રીથિંગ કર્યું હતું. બ્રીથિંગ બહુ મહત્વનું છે. ડૂબતા માણસને બચાવવા ઘણીવાર મોં વાટે શ્વાસ આપવામાં આવે છે.
આવી જ રીતે ફાયનાન્સીયલ બ્રીથિંગ પણ મહત્વનું છે. પૈસાની અછતમાં અટવાતા માણસને ફાયનાન્સીયલ બ્રીથિંગની ખાસ જરૃર હોય છે. બ્રીથિંગ અર્થાત્ પ્રાણ બહારથી આવે છે. જ્યારે વ્યક્તિ આર્થિક સમસ્યામાં અટવાયેલો હોય છે ત્યારે તે બહારથી કોઈ પ્રાણ-કોઈ મદદ ઇચ્છે છે. આપણા શાસ્ત્રો અને અનુભવીઓ એમ કહીને ચેતવે છે કે પૈસાની મદદ સંબંધો પણ તોડે છે અને પૈસો ગુમાવવાનો વારો આવે છે. આ તો મોટી રકમની વાત થઈ પરંતુ નાની રકમ મદદ માટે આપી શકાય છે.
ઘણાં અનુભવીઓનું માનવું છે કે કોઈ જરૃરીઆત વાળાને સામાન્ય રકમની મદદ કર્યા પછી તે ક્યારે પરત આવશે તેની ચિંતા ના કરવી કેમકે સામેવાળો યોગ્ય માણસ હશે તો તે પરત ચોક્કસ આવશે.
પૈસો વસ્તુ એવી છે કે તે અંગે સૌ પોતાની મરજીના માલિક છે પરંતુ લોકોમાં દાનની કે મદદની વૃત્તિ હૃદયના કોઈ ખૂણે છૂપાયેલી હોય છે જે અચાનક બહાર આવે છે.
ગ્રીસ આર્થિક કટોકટીમાં સપડાયું છે ૩૦ જૂન સુધીનો સમય તેની પાસે છે. જો કે રશિયા તેને મદદ કરે એવી સંભાવના ઉભી થઈ છે. ટૂકંમાં ૩૦મી જૂન સુધી ગ્રીસને ફાયનાન્સિયલ બ્રિથિંગનો સમય મળી ગયો છે. હજુ ગઈકાલે જ વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો હતો. જેમાં શ્વાસોચ્છશ્વાસનું મહત્ત્વ અને શ્વાસ લેવા તેમજ છોડવાની પ્રક્રિયા અનુલોમ- વિલોમ સમજાવાઈ હતી જેને બ્રિથિંગ એક્સરસાઇઝ પણ કહે છે.
જો કે ભારતમાં યોગા માટેના બ્રિથિંગ કરતા મધ્યમવર્ગને ફાયનાન્સીયલ બ્રિથિંગની રોજ જરૃર પડે છે.
ફાયનાન્સિયલ બ્રિથિંગ એટલે સમયસર નાણાં મળવાનો હાશકારો. આર્થિક મંદી તેમજ આવક- જાવકની અસમતોલ સ્થિતિ માટે ફાયનાન્સિયલ અસમતોલ સ્થિતિ માટે ફાયનાન્સિયલ બ્રીથિંગની ખૂબ જરૃર રહે છે. ઘણીવાર નાણાંભીડના કારણે આખા કુટુંબે આપઘાત કર્યા હોય એવા અહેવાલો જોવા મળે છે. આવા કુટુંબની શરુઆતમાં જરૃરિયાત બહુ ઓછી હશે પછી તે વ્યાજના વિષચક્રમાં ફસાયો હશે અને મોટી રકમની ચૂકવણીઓનો ભરડો વધ્યો હશે.
જો તેને અણીના સમયે વગર- વ્યાજની કોઈ આર્થિક રાહત મળી જાત તો તે આ સુંદર દુનિયામાં લાંબુ જીવી શકત ! આર્થિક સ્થિતિ ડાયાબીટીસ કરતા પણ ખતરનાક હોય છે. તે વ્યક્તિને ધીરે ધીરે ખોતરે છે અને નબળો બનાવી દે છે.
તેની આર્થિક નબળી સ્થિતિ ભલે તે પોતે જવાબદાર હોય પરંતુ તેને સમયસર નહીં મળેલી આર્થિક મદદે તેેને વ્યાજના ચક્કરમાં ફસાવી દીધો હોય છે.
કહે છે કે વેપારીઓ અને નાના દુકાનદારો અવારનવાર આર્થિક મુસીબતમાં ફસાય છે. નાના દુકાનદારો બે- ત્રણ હજાર મેળવી શકતા નથી એટલે પાંચ ટકા વ્યાજે પૈસા લઈ બધું સરભર કરે છે પરંતુ આ પાંચ ટકાનો ભોરિંગ તેમને છોડતો નથી અને અંતે તે આગળ વધી શકતો નથી. એટલે જ કહે છે કે ધંધામાં કોઈનું પીઠબળ જોઈએ. આ પીઠબળ આર્થિક સદ્ધરતાવાળું જોઈએ જેથી પેમેન્ટ ક્રાઇસિસ ઉભી ના થાય !
જ્યારે વ્યક્તિ આર્થિક નબળાઈઓનો સામનો કરે છે ત્યારે તેની ક્રિએટીવીટી ખલાસ થઈ જાય છે તે ક્યાંથી લાવવું અને ક્યાં ભરું તેમાં અટવાયેલો રહે છે. તે બિઝનેસ પાછળ સમય નથી આપી શકતો અને એકની ટોપી બીજાને માથે અને બીજાની ત્રીજાને માથે એમ કરતો કરતો વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. અંતે આ વિષચક્ર તેનો કોળિયો કરી નાખે છે અને તેની ટોપી ઉતરી જાય છે.
બેંગ્લોરમાં ફાયનાન્સીયલ પરિસ્થિતિમાં અટવાતા નાના વેપારીઓને જોઈને ચાર- પાંચ ખમતીધર વેપારીઓએ તેમને સહાય કર્યા કરતા હતા. આ નાના વેપારીઓ સામાન્ય રકમ માટે વ્યાજખોરોના વિષચક્રમાં સપડાઈ જતા હતા. તો કેટલાક ક્રેડિટ કાર્ડમાંથી રોકડ વાપરતા હતા. વ્યાજખોર અને ક્રેડિટ કાર્ડ બંનેમાં તે પાંચ ટકા ચૂકવતો હતો. તે રકમ ના ભરી શકે એટલે વ્યાજનું વ્યાજ ભરીને તૂટી જતો હતો. નાનો વેપારી બપોરે બે વાગ્યા સુધી બેંક ભરવાની લ્હાયમાં દોડાદોડ કરતો હોઈ બપોર સુધી ધંધામાં ધ્યાન આપી શકતો નહોતો.
બેંગ્લોરમાં આવા લોકોની મદદે ૧૫ જેટલા પૈસાદારો અને સમજુ લોકો આવ્યા હતા. તેમણે પોતાના પૈસાનું એક ભંડોળ ઉભું કરીને રાતવરત ૫૦૦૦ રૃપિયાની સહાય શરુ કરી હતી. કોઈ પણ વેપારી ગમે ત્યારે ૫૦૦૦ લઈ જઈ શકે, તેના પર વ્યાજ કે ગેરંટર નહીં ! વેપારીને સમજાવામાં આવતો કે તારી પાસે સગવડ થાય એટલે પૈસા પાછા આપી જવા તારી પાસે કોઈ માગવા નહીં આવે.
આ સગવડ ફાયનાન્સિયલ બ્રિથિંગ સમાન હતી. માણસ બીમારીથી જેટલો પરેશાન હોય છે તેનાથી વધુ આર્થિક અછતથી પરેશાન હોય છે. કેમ કે બીમારી તેને એકલાને જ ભોગવવાની હોય છે જ્યારે આર્થિક અછત તેના આખા કુટુંબને ભોગવવી પડે છે.
અમદાવાદમાંના એક સંપ્રદાયના વડાએ કહ્યું હતું કે, અમારા સમાજમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લે તે માટે ખૂબ પ્રયાસ થાય છે. ઉચ્ચ શિક્ષણની 'ફી' જોઈને મધ્યમવર્ગ આગળ ભણવાનું ટાળે છે પરંતુ આ સંપ્રદાય ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છનાર વિદ્યાર્થીને મોં માંગી લોન આપે છે. ઉદાહરણ તરીકે પાંચ વર્ષ ભણીને ડોક્ટર થવું હોય કે અન્ય રાજ્યમાં જઈને એડમિશન લેવું હોય તો વધુ પૈસા આપવા પડે તેનો ખ્યાલ સમાજ રાખે છે. આવા વિદ્યાર્થીને એડમિશન માટે આપવા પડતા ઉપલક પૈસા, સત્તાવાર ફી, હોસ્ટેલના પૈસા વગેરે સમાજ ચૂકવે છે.
આ સહાય મેળવવા વિદ્યાર્થીને કોઈ ગેરંટી નથી આપવી પડતી. કોઈ ડોક્યુમેન્ટ નથી આપવા પડતા, કોઈ વ્યાજ નથી આપવું પડતું. માત્ર શ્રીનાથજી ભગવાનના ફોટાની સમક્ષ ચૂકવણી થાય છે. વિદ્યાર્થીને એમ કહેવાય છે કે તું ભણી રહે; નોકરી કરવા લાગે પછી આ પૈસા પરત ચૂકવજે, તારી પાસે કોઈ રીમાઇન્ડર કરવા નહીં આવે ! આશ્ચર્ય એ છે કે આજ સુધી જેટલા વિદ્યાર્થીઓએ લોન લીધી છે તે બધા જ ભણી રહ્યા પછી લોન પરત ચૂકવી ગયા છે અને દાનની રકમ નોંધાવતા ગયા હતા આને ફાયનાન્સિયલ બ્રિથિંગ કહેવાય.
ગ્રીસ જેવો દેશ ફાયનાન્સિયલ બ્રિથિંગ ઇચ્છે છે, સહારા ગૃપના વડા ૫૦૦૦ કરોડ મેળવવા ફાંફા મારે છે. ૪૦ હજાર કરોડનું તેમનું ગુ્રપ છે છતાં ૫૦૦૦ કરોડ ભેગા થતા નથી. મુલાયમસિંહ યાદવ જેવા તેમના મિત્રો મદદ કરી શકતા નથી. આવી સ્થિતિમાં મધ્યમવર્ગ આર્થિક રાહત મેળવવા ક્યા ંજાય ? ફાયનાન્સિયલ બ્રિથિંગના અભાવે તો કિસાનો આપઘાત કરે છ. કિસાનોને રાહત આપનારાઓ સબસીડી અને રોકડ આપીને છટકી જાય છે પરંતુ જ્યારે ૫૦૦ રૃપિયાની જરૃર હોય ત્યારે કોઈ તેને આપતું નથી. તેના ગામના સ્થાનિક વેપારીઓ તેનો તૈયાર થતો પાક લખાવી લે છે અને પછી પૈસા આપે છે. કિસાન પાસે કશું બાકી રહેતું નથી.
દરેક ગામમાં કે ટાઉન લેવલે રહેતા સજ્જનોએ ફાયનાન્સિયલ બ્રિથિંગ કંપની કે સિસ્ટમ ઊભી કરવી જોઈએ અને જરૃરિયાત સમયે લોકોની બાજુમાં ઊભા રહેવું જોઈએ.
No comments:
Post a Comment