Mumbai Samachar - મુંબઈ સમાચાર
ખોટી માન્યતાઓ સામેની અને મહિલાઓમાં એના બમણા પ્રમાણ અંગેની જાગૃતિ આ ડરામણી સ્થિતિમાંથી બચવામાં નક્કી મદદરૂપ બની શકે છે
અભય કાપડિયા
હતાશા... નિરાશા... ડિપ્રેશન... આધુનિક જીવનનું આ પણ એક પીડાદાયક પરિણામ છે. આર્થિક, શારીરિક, કૌટુંબિક કે ધંધા - રોજગાર - નોકરી વિષયક સમસ્યાઓ એવી અને એટલી આકરી બનતી ગઈ છે કે એનાથી આજે કોઈ બચી નથી શકતું. એમાંની એક-બે સમસ્યાના પરિણામે પણ માનસિક સમસ્યા સર્જાતા વાર નથી લાગતી અને શરૂ થઈ જાય છે હતાશા-નિરાશા-ડિપ્રેશનનો, અસ્તિત્વને હચમચાવી મૂકતો પીડાદાયી સિલસિલો.
‘ડિપ્રેશન’ મૂળે તો ૧૪મી સદીમાં પ્રવર્તમાન ખગોળશાસ્ત્રનો શબ્દ છે, એનાં મૂળ જૂની ફ્રેન્ચ ભાષામાં છે. જોકે, ત્યારે એનો અર્થ આત્માની પીડાગ્રસ્ત અવસ્થા એવો થતો હતો, જે આજે આપણે ‘ડિપ્રેશન’નો જે અર્થ સમજીએ છીએ એના કરતાં ઘણો વ્યાપક હતો. ‘ડિપ્રેશન’નો સંબંધ ગ્રીક ભાષાના ‘આખોસ’ શબ્દ સાથે પણ છે, જેનો અર્થ પીડા કે શોક થાય છે.
માણસ જીવે ત્યાં સુધી અમુક માત્રામાં સુખ-દુ:ખ પામવાથી મુક્ત નથી રહી શકતો. આમ છતાં, ક્યારેક હતાશા-નિરાશા-ડિપ્રેશનની લાગણી એટલી તીવ્ર બની જાય છે કે એમાંથી બહાર નીકળવું માણસ માટે અતિશય અઘરું બની જાય છે. આ સ્થિતિમાં એના મનમાં કોઈ આશા બચતી નથી એટલું જ નહીં, પ્રવર્તમાન સ્થિતિ માટે એ પોતાને એક કે વધુ રીતે દોષી માનવા લાગે છે.
ક્યારેક માણસ પીડા કે આઘાતને કારણે દુ:ખી થઈ જાય છે, પણ ક્યારેક એવુંય બને છે કે એ સ્થિતિનું કારણ એ સમજી નથી શકતો, એના મૂળ સુધી એ પહોંચી નથી શકતો, એને કદાચ બીજાઓ તરફથી નકારી કાઢવાનો અને પોતાના દુ:ખમાં જ ખતમ થઈ જવાનો ભય સતાવતો હોય છે.
૮૦ ટકાથી વધુ ભારતીયોને કોઈ પરમ શક્તિમાં અતૂટ વિશ્ર્વાસ-શ્રદ્ધા છે. આમ છતાં તાળો ન મળે એવી વાત એ છે કે આ પરમ શક્તિ આપણને હતાશાના અનુભવમાં ઉગારી નથી શકતી. આપણને એવું લાગે છે કે મારે માટે આ પરમ શક્તિ કામ નથી કરી રહી. પ્રાર્થના - ધ્યાન - યોગ પણ ત્યારે આ હતાશાની પ્રચંડ ભરતીને ખાળી નથી શકતાં.
આપણાં અંતરના સૌથી વધુ ઊંડા અને ગુહ્ય કૂવામાંથી ઊઠતા પ્રામાણિક વિચારોને આત્મમંથન થકી પણ આપણે દૂર નથી કરી શકતા. આપણી પોતાની અને માણસમાત્રની વિચારશક્તિથી પણ એવી શક્તિ પર આપણે આધાર રાખવો પડે છે.
ડિપ્રેશન એ શારીરિક અને માનસિક પીડા છે. બધુ સમુંસુતરું ચાલતું હોય ત્યારે ખુશી-આનંદમાં રહેવું, સરળ અને સ્વાભાવિક છે. સ્ત્રી તંદુરસ્ત બાળકને જન્મ આપે, સંતાનો શાળા-કૉલેજમાં અભ્યાસ કરે અને અન્ય ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરે ત્યારે બધું મંગળમય હોય છે, પણ માળો ખાલી થઈ જાય. સંતાનો અભ્યાસ માટે કે નોકરી-ધંધા માટે પોતીકા લગ્નજીવન માટે ઘરમાંથી નીકળી જાય - ત્યારે એની ઊંઘ અધકચરી થઈ જાય છે, પાચન તંત્રમાં ગડબડ થાય છે. ઘરની બહાર નીકળી લોકોને મળવાનું લગભગ અશક્ય થઈ જાય છે. એમને એ પર્વત ચડવા જેટલું અઘરું કામ લાગે છે, આવી દુ:ખ-પીડાની લાગણી શરીરના તંત્રને નબળું પાડી દે છે એવો અનુભવ ડિપ્રેશનનો ભોગ બનનારાને અવશ્ય થાય છે.
આવા કિસ્સાઓમાં બહુ મહાન-ઉન્નત વિચારોની કે ઉપયોગી સલાહ - માર્ગદર્શનની જરૂર નથી હોતી. જરૂર હોય છે સાદા-પૂરતા ખોરાકની અને ભરપૂર આરામની. નિક્ટની વ્યક્તિનો પ્રેમભર્યો સાથ અને એના દ્વારા રખાતું મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન આવા કિસ્સામાં જરૂર મદદરૂપ બની શકે છે. જીવનસાથીના અણધાર્યા અવસાન કે કુટુંબમાં વણકલ્પી કરુણાંતિકા, મૃત શિશુના કે શિશુના શારીરિક અક્ષમતા સાથેના જન્મ પછીની જેવી વ્યથા-પીડામાં આવી સહાય ખૂબ મહત્ત્વની બની રહે છે.
ડિપ્રેશનનાં આ ઉપરાંત પણ કારણો વિવિધ તબીબી અભ્યાસમાં જણાયાં છે, જે સ્ત્રીઓ-પુરુષો માટે અલગ અલગ પણ છે.
પુરુષોમાં ડિપ્રેશનને કેટલાક લોકો ખોટી રીતે એમની મર્યાદામાં ખપાવે છે કે વધુ પડતા લાગણીશીલ હોવા સાથે જોડે છે. પુરુષો સામાન્ય રીતે ભાંગી પડ્યાની કે આશા લગીરે બચી ન હોવાની લાગણીનો સ્વીકાર નથી કરતા. એ લોકો થાક, ચીડિયાપણું, ઊંઘની સમસ્યાની ફરિયાદ કરી શોખ કે કામમાં રસ ન પડતો હોવાનું જણાવે છે. તેઓ શરાબ કે બીજા કેફી દ્રવ્યોના રવાડે પણ ચડી જતા હોય છે.
મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં બમણું જેટલું વધુ હોય છે. માસિક સંબંધી (પીએમએસ) તથા રજોનિવૃત્તિ પૂર્વેની હતાશા (પીપીડીડી) જેવું હોર્મોન પાસું એમાં આંશિક રીતે કારણભૂત હોય છે. અપરાધભાવ, વધુ પડતી ઊંઘ અને પરિણામે વજનમાં વધારા જેવાં લક્ષણો બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
કેટલાક ટીનેજરમાં ડિપ્રેશનનાં લક્ષણો આછાં-હળવાં દેખાય છે. ડિપ્રેશનનો શિકાર બનતા તરુણો-નવયુવાનોમાં ઝટ નારાજ થઈ જવું કે ઉશ્કેરાઈ જવું એ સૌથી વધુ સામાન્ય લક્ષણ છે. આવો (કે આવી) ટીનેજર ઝઘડાળું, તોછડા કે ઝટ મિજાજ ખોઈ દેનાર બને છે. આ લક્ષણોની સારવાર ન થાય તો સમસ્યા ઘરની અંદર આવે છે. તરુણ શરાબ કે કેફી દ્રવ્યોના રવાડે ચડી જઈ શકે છે, ગુનાઈત કે આત્મહત્યાની વૃત્તિ પણ વિકસી શકે છે.
પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન: પ્રસૂતિ પછી તરત ઘણી નવી માતા બનેલી સ્ત્રી આંશિકપણે આ ડિપ્રેશનનો ભોગ બને છે, એની અસર પ્રસૂતિના છ મહિના સુધી રહી શકે છે.
ડિપ્રેશનના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે:
મેજર ડિપ્રેશન: ડિપ્રેશનનાં વિવિધ લક્ષણો બે સપ્તાહ સુધી સતત વત્તે-ઓછે અંશે દેખાય છે. ખરાબ મૂડ અને ઉશ્કેરાટ રહે છે. કામ, ઊંઘ, ખોરાકમાં વિક્ષેપ સાથે આનંદ માણવાની પ્રવૃત્તિ લગભગ શમી જાય છે, એમાંથી એકાદ વર્તણૂક ઉગ્ર સ્વરૂપમાં પણ દેખાય છે. એ ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે પણ જાણીતું છે.
ડાયસ્થીમિક ડિપ્રેશન: ડિપ્રેશનનો આ ઓછો ઉગ્ર, પણ વધુ લાંબો ટકતો પ્રકાર છે. એનાં હઠીલાં લક્ષણો માણસને અપંગ નથી કરી દેતાં પણ માણસ પૂરી શક્તિક્ષમતા સાથે કામ કરી - જીવી નથી શકતો. ક્યારેક એ મેજર ડિપ્રેશનનો પણ શિકાર બને છે. ‘ડબલ ડિપ્રેશન’ તરીકે ઓળખાય છે.
બાઈપોલાર ડિસઑર્ડર કે મેનિક ડિપ્રેશન: મૂડમાં ઘણી ગડબડ પહેલા મેનિક ડિપ્રેશન તરીકે ઓળખાતી આ તકલીફમાં વારસાગત ભૂમિકા મહત્ત્વની હોય છે. બાઈપોલાર ડિપ્રેશનમાં મેનિક કે હાઈપો મેનિયાની એકાદ તકલીફ સાથેની મૂડસાઈકલ ચાલતી રહે છે. વચ્ચે વચ્ચે ડિપ્રેશનના હુમલા આવ્યા કરે છે. આ તકલીફ હઠીલી છે અને સારી થયા પછીય એના ઉભરા આવ્યા કરે છે. મૂડના ફેરફારો નાટ્યાત્મક હોય છે અને મોસમી પણ હોય છે. ઉત્તર ગોળાર્ધના લોકોમાં એ સામાન્ય છે.
યુનિપોલાર ડિપ્રેશન: એકલતા, સામાજિક પીઠબળનો અભાવ, કુટુંબમાં હતાશાનો ઈતિહાસ, લગ્ન કે રિલેશનશિપના પ્રશ્ર્નો, આર્થિક તંગદોર, બાળપણમાં અનુભવેલો ત્રાસ-અત્યાચાર, શરાબ કે નશીલા પદાર્થોનું વ્યસન, બેકારી કે ઓછું વેતન, માંદગી કે હઠીલો રોગ હતાશામાં પરિણમતાં હોય છે.
આમાનાં એક કે વધુ કારણો માણસમાં ઊંડે ધરબાયેલાં હોય છે. એ કોઈ એક ચોક્કસ કારણ પર આંગળી પણ નથી મૂકી શકતો. એ મનોરોગ નિષ્ણાત સમક્ષ પણ ખૂલી નથી શકતો. એની હતાશાનાં બધા લક્ષણોનો અભ્યાસ તથા એનાં વિગતવાર મનોવિશ્ર્લેષણના આધારે એની હતાશાનાં મૂળિયાં શોધાય છે અને એની પરથી એના મનના ભારે ઉતાર-ચઢાવની અત્યાધુનિક તબીબી વિજ્ઞાનથી અને દવાઓથી સારવાર કરવી પડે છે.
અશક્તિ, થાક, નિરુત્સાહ, નારાજી, બધામાં પોતાનો વાંક કાઢવાની વૃત્તિ તથા અર્થહીનતાનો અનુભવ, ભાગેડુ વૃત્તિ, જુગારની લત, પીઠમાં દુખાવો, નિર્ણય લેવામાં તકલીફ, ન સમજાવી શકાય એવા કારણે શારીરિક પીડા જેવાં રૂપોમાં પણ હતાશા વ્યક્ત થાય છે.
હતાશાના કારણે માણસ આપઘાત કરે એનું પણ મોટું જોખમ રહેલું હોય છે. મનમાં ઊંડે સુધી પહોંચેલી નિરાશા અને આશાનું એકે કિરણ ન દેખાતું હોવાની સ્થિતિ અનુભવતા માણસને માત્ર આપઘાતમાં જ પીડાનો અંત દેખાય છે. હતાશ માણસની મૃત્યુ અંગેની કોઈપણ વાત ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ.
હતાશા અંગેની કેટલીક ગેરસમજણો ખોટી માન્યતા પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એમાંની પહેલી એ છે કે એ માંદગી નથી પણ માણસની નબળાઈ છે. બીજી છે કે એ અનુભવતો માણસ સખત પ્રયાસ કરે તો એ દૂર થઈ શકે છે. ત્રીજી છે, પોતાનામાં કે સ્વજનમાં એ દેખાય ત્યારે એને સાવ અવગણવાથી એનું અસ્તિત્વ નાશ પામે છે. ચોથી એ છે કે અત્યંત બુદ્ધિશાળી કે અત્યંત પ્રતિભાશાળી માણસ હતાશા નથી અનુભવતો. પાંચમી એ છે કે હતાશા અનુભવતા લોકો ગાંડા હોય છે, છઠ્ઠી એ છે કે હતાશાનું ખરેખર તો અસ્તિત્વ જ નથી, સાતમી એ છે કે આપઘાતની વાત કરનારો કદી આપઘાત નહીં કરે, પણ એ માત્ર ધ્યાન ખેંચવા એની વાત કરતો હોય છે અને આઠમી છેલ્લી ગેરમાન્યતા એ છે કે હતાશ માણસની બીજી કોઈ માનસિક કે આરોગ્ય વિષયક સ્થિતિ નથી હોતી.
હતાશ માણસને એમ પણ લાગતું હોય છે કે આખી દુનિયા મારી સામે પડી છે. એમને દરેક દિશામાં અવરોધ દેખાય છે. આશરો મળી શકે એવું એમને એકે વૃક્ષ નથી દેખાતું, અરે એકે ડાળી પણ નથી દેખાતી. પોતાના પીડિત વ્યથિત, વ્યગ્ર મનના જબરા મોટા પડઘા જ એમને સતત સંભળાતા રહે છે. આ રમખાણ-કોલાહલમાં એના કાન સાગરનું સંગીત, પંખીઓનો કલવર કે શિશુની કાલીઘેલી વાણી નથી સાંભળી શકતા. તજજ્ઞનું માર્ગદર્શન કે મૈત્રીભરી સલાહ આંખ સામે દેખાતા વિરાટ પર્વતને કણકણમાં ફેરવી શકે છે એવું એને લાગતું જ નથી.
પોતાની સ્વતંત્રતા કે આવક કે અસ્તિત્વ જ ગુમાવવાનો ભય બીજા કેટલાય ભયને જન્મ આપે છે, આખું આકાશ એને પોતાની પર તૂટી પડતું લાગે છે.
તબીબી સારવાર ક્યારેક નિષ્ફળ જાય ત્યારે આધ્યાત્મિક અવલંબન એની હતાશાની સ્થિતિ પર અંકુશ મેળવવાનો કદાચ એકમાત્ર ઈલાજ બચતો હોય છે. આપણે ૯૫ ટકા ભારતીયો યુગોથી અધ્યાત્મમાં આધાર શોધવા ટેવાયેલા હોવાથી એમાં ન માનનારાને પણ ક્યારેક એમાંથી મદદ મળી રહે છે.
જોકે એક વાત ખાસ સમજી લેવાની છે કે અંધ આધ્યાત્મિકતા એ ઉપાય કે જવાબ નથી, પરંતુ સાચો રસ્તો છોડ્યા વગર આશાનો તંતુ પકડી રાખવાની આ વાત છે.
Tuesday, March 18, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment