ગુલમહોર બહુ બળુકો છે, પોતાના એકાદ ફૂલને બદલે એ આપણને ફૂલનો ગુચ્છો જ ધરતો હોય છે. એના કેસરિયા રંગનો નશો આંખો વાટે હૃદય સુધી પહોંચીને આપણને નાચતા કરે છે, પણ ફૂલની સરખામણીએ એનાં પાન બહુ નાનાં છે. એક કતારમાં ઊભા રહીને મલકતાં બાળકો જેવાં | |
કવિતાની કેડીએ... - નલિની માડગાંવકર કવિઓ પાસે મનની મિરાત છે. સહૃદયને એ અઢળક આપી રહ્યા છે. એમની મનની પૂંજીને અક્ષય બનાવનાર ઈશ્ર્વર અને માનવની જેમ પ્રકૃતિ પણ છે. જ્યાં વસંત પંચમી પાસે આવે છે ત્યાં તો પ્રકૃતિનું આમંત્રણ નાને નાને ખૂણેથી પણ આપણને મળતું હોય છે. તરણાંઓની કોમળ આંગળીઓ, ફૂલોની મૃદુ હથેળીઓ આપણી સાથે હાથ મીલાવવા આતુર હોય છે. આ સમૃદ્ધિને પોતાની મિરાત બનાવી અનુભૂતિઓમાં ઉતારી કવિ આપણને ખોબે ખોબે આપે છે. વાસ્તવમાં કવિનો ખોબો વામનમાંથી વિરાટ બનતા માનવનો છે. આનંદ સભર સંવેદનનાને કવિ ભીતર મન ભરીને રમવા દે છે અને પછી એને અનેકગણું વધારી કવિતામાં ધરે છે. આવી બધી પ્રક્રિયાનો વિચાર આપણે શું કામ કરીએ? આપણે તો કવિના ખોબાને ઝીલવા જેટલા સજ્જ થઈએ તો પણ ભયો ભયો! જ્યાં સુધી આવા કવિઓ આપણી આસપાસ પોતાની રચનાઓ રૂપે રમતા હોય ત્યાં સુધી મનની રંકતા આપણી નજીક ફરકવાની પણ નથી. કવિ મકરંદ દવે - અનેકના પ્રિય કવિ - એમની કવિતામાં ઓલિયા ફકીર જેવો આનંદ પરિવ્રાજક બનીને ઘૂમતો હોય છે. તમે જો સામે મળ્યા તો તમને એ રંગ્યા વગર રહેતો નથી. આવો આનંદ, આવી પ્રસન્નતા એ એમના જીવન-કવનનો પર્યાય છે. આ રચનાને સભર કરતી પ્રકૃતિ વૈભવની છબી કવિ પંક્તિએ પંક્તિએ નવા નવા રંગોથી આંકે છે. ગુલમહોર બહુ બળુકો છે, પોતાના એકાદ ફૂલને બદલે એ આપણને ફૂલનો ગુચ્છો જ ધરતો હોય છે. એના કેસરિયા રંગનો નશો આંખો વાટે હૃદય સુધી પહોંચીને આપણને નાચતા કરે છે. પણ ફૂલની સરખામણીએ એનાં પાન બહુ નાનાં છે. એક કતારમાં ઊભા રહીને મલકતાં બાળકો જેવાં. આવાં ઝીણાં પાન પર પ્રભાતનાં મખમલિયાં કિરણો પોતાની દિનચર્યાનું ભરત ભરતા હોય છે. એ ભરત કવિ આપવા ચાહે છે આ નાનીસૂની વાત નથી. તિજોરીમાંથી અપાતાં નાણાં જેવું સ્થૂળ નથી. પ્રકૃતિ પોતીકા માણસ જેવી છે. સ્વજન જેવી છે તો જ અપાયને! કવિતાની એક એક પંક્તિઓ જાણે શબ્દોનાં પુનરાવર્તનથી ડોલી રહી છે. ‘ઝીણાં ઝીણાં’, ‘લહર લહર’, ‘ચોગમ ચોગમ’, ‘સુંદર સુંદર’, ‘ખીલી ખીલી’, ‘ખોબે ખોબે’, ‘દીવાલો દીવાલો’ ઈત્યાદિ. અહીં સૂર્યનાં રૌદ્ર રૂપનાં કિરણો નથી; મખમલિયા કિરણો છે. પ્રકૃતિની સાથે ભળતી કવિમનન પ્રસન્નતા છે. જાણે કે ફૂલોથી ઊભરાતાં નાનાં નાનાં છોડવાઓ વચ્ચેથી પસાર થતો આ કવિજીવ છે. એવું જ બીજું નાજુક કલ્પન છે; અહીં તળાવડીનાં નીર જ માધ્યમ બને છે લહેરાતાં વૃક્ષોનું પ્રતિબિંબ ઝીલવાનું. જળના સ્પર્શ જેટલું નાજુક આ કલ્પન છે.તળાવડીનાં નીર અને લહેરાતાં વૃક્ષો- બંનેની ચંચળ ક્રીડા પવનને આભારી છે. તળાવડીનાં નીરમાં જાગતાં તરંગો, વૃક્ષોનાં લહેરાતાં પ્રતિબિંબોનું ડોલન આ બધાંને જો કવિએ દૃશ્યકલ્પનથી નવાજ્યું હોત તો તો જેટલો આનંદ થાત એનાથી અનેક ગણો વધુ આ અભિવ્યક્તિ જોઈને થાય છે; એ છાયા ચંદનભીની બની છે શીતળતાથી. કવિ એને ચંદન જેવું શીતળ અને સૌરભમય, સ્પર્શક્ષમ કલ્પે છે. ચારે બાજુ હરિયાળી આપણા શ્ર્વાસને મીઠી સોડમથી ભરી દે છે. જાણે પંચેન્દ્રિયની તૃપ્તિ આપનાર આ કવિતા છે. આખા દૃશ્યને આંખો ભીતર ભરી રહી છે. કવિ એક અદ્ભુત અભિવ્યક્તિથી આ નજરની વાત કરે છે. નૌકાની ગતિની જેમ આંખો તર્યા કરે છે જાણે કે આંખોની આર્દ્રતામાં આ નયનોની નૌકા તરી રહી છે એ પણ ખુલ્લા આભને આરે તરવરતી આ નૌકા છે. દૃશ્યોને ભરી લેતી આ આંખોની ગતિ જુઓ! આકાશના વ્યાપને અને ધરતીના સૌન્દર્યને- બંનેને ક્ષણાર્ધમાં પોતામાં સમાવી લેતી આ દૃષ્ટિ છે. ચારે બાજુ પથરાયેલા સૌન્દર્યને કવિની સૌન્દર્યપ્રીતિ સભર કરે છે. ‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ખરી જવું’ (પ્રહલાદ પારેખ)ની જેમ ચોપાસ સૌરભને પાથરતાં ફૂલો છે. આ તાજગીને કવિ ખોબે ખોબે ભરીને આપણા સુધી લઈ આવે છે. સૌન્દર્યસભર સ્વપ્નલોકની અનુભૂતિ કરાવનાર કાવ્યના પ્રારંભની આ પંક્તિઓ છે. આનંદનું પ્રતિબિંબ કવિને ચારે બાજુ પડતું જણાય છે. કાવ્યના છેલ્લા શ્ર્લોકમાં ગૂંગળામણની દીવાલોને ભેદવાની વાત કરે છે. નગર જીવનની રીતિ-નીતિ માણસના મનને કેવું ચારેબાજુથી જકડી લે છે. મુક્ત થયેલું માનવમન ફરી પાછું બંધનને દરવાજે આવીને ઊભું રહે છે. હવે એની પાસે આપવા જેવું શું છે? ખોબે ખોબે આપવાનો આનંદ વળી પાછો જાણે કોશેટામાં બિડાઈ જાય છે. ‘ગમતાંનો કરીએ ગુલાલ’ની નીતિ ધરાવનાર આ કવિ છે એ ભીંસી દેતી મનની કેદને ક્યાંથી સ્વીકારે? આનંદ અને મુક્તિ કાર્યકારણની જેમ મનમાં ધૂમે છે. આ આનંદની ચપટી નથી પણ ખોબો છે. ખોબા જેટલું જ આપણું જીવન છે તેમ ખોબો ભરીને જ સુખને વહેંચવાનું છે. કારણ દુ:ખનો ખોબો દીવાલોને બાંધી શકે છે એ મુક્તિની હરિયાળીનો અનુભવ ક્યારેય આપી શકવાનો નથી. આપણા વસંત પંચમી, હોળી જેવા તહેવારો પણ આવા જ ખોબે ખોબે વહેંચાતા આનંદ જેવા છે. જીવનને રંગવા માટે મુઠ્ઠી એક સમજણનો ગુલાલ જ પૂરતો બનવાનો છે. ફરી પાછું બંધનમાં જકડાવું પડે એ પહેલાંની આનંદની ક્ષણની ગરિમા કવિ ગાય છે. સમગ્ર માનવજાતિ માટેનો આવકાર કવિના સર્જનમાં ભર્યો પડ્યો છે એ ગાય છે; "આવો અહીં, બેસો અને સુખના સભર રંગોભર્યા પ્યાલા ભરો, વાતો કરો ને સાથ લઈ જાઓ સુખે કહેજો બધે, કહેવા અને દેજો બધાંને કે ભલા મકરન્દ પાસે શું અરે! આનંદ ને આનંદ છે.’ આવતા રંગોને આ રીતે જ વધાવીએ અને કવિની પંક્તિઓ ગુંજીએ; "ખેલત વસંત આનંદકંદ. ૄૄૄ હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત. |
Tuesday, March 18, 2014
hdb119 marcah
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment